Skip to Navigation Skip to Main Content Contact us
Skip to Navigation Skip to Main Content Contact us
  • મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગના ઇતિહાસમાં સાવ જ નોખી પહેલ

    Article in Gujarati Mid Day, December 4, 2014

       read ( words)

    યુનિટધારકોની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ અને એ પણ ત્રણ શહેરોમાં

    મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગના ઇતિહાસમાં સાવ જ નોખી પહેલ

    (જયેશ ચિતલિયા)
    કોઈ મ્યુચ્યુઅલ ફન્ડે તેના યુનિટધારકોની વાર્ષિક સામાન્ય સભા (AGM) યોજી હોય એવું તમે ક્યારેય સાંભળ્યું કે જોયું છે ખરા? જેમ કંપનીઓ પોતાના શૅરધારકોની વાર્ષિક સભા યોજે છે અને એમણે યોજવી પણ પડે છે એમ મ્યુચ્યુઅલ ફન્ડને પોતાના યુનિટધારકોની વાર્ષિક સભા યોજવા અંગે કોઈ કાનૂની બંધન કે ફરજ નથી, પરંતુ તાજેતરમાં એક ખાનગી ક્ષેત્રના મ્યુચ્યુઅલ ફન્ડે આ અનોખી પહેલ કરી હતી અને એણે એક જ નહીં બલકે કંપનીના યુનિટધારકો જે શહેરમાં વધુ છે એવાં ત્રણ શહેરોમાં વાર્ષિક સભા યોજી હતી અને આ સભામાં યુનિટધારકોએ પણ ઉત્સાહભેર ભાગ લઈ ફન્ડ મૅનેજરો સાથે ખુલ્લા મને ચર્ચા કરી હતી, સવાલો પૂછ્યા હતા અને દરેકના જવાબો મેળવ્યા હતા. મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગમાં આ સૌપ્રથમ અને ઐતિહાસિક ઘટના હતી. ઉદ્યોગના અગ્રણીઓ અને ફાઇનૅન્શિયલ ઍડ્વાઇઝર્સ વર્ગના મત મુજબ આ ફન્ડે પારદર્શકતા તેમ જ યુનિટધારકોને મહત્વ આપતો બહુ મોટો દાખલો બેસાડ્યો છે. જાણીતા ફાઇનૅન્શિયલ પ્લાનર ગૌરવ મશરૂવાળા કહે છે કે સેબી (સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ ર્બોડ ઑફ ઇન્ડિયા)એ આવી વાર્ષિક સભા યોજવાનું તમામ મ્યુચ્યુઅલ ફન્ડ માટે લાગુ કરવું જોઈએ. જોકે સામેથી સભા યોજવાની આવી હિંમત કેટલાં મ્યુચ્યુઅલ ફન્ડ્સ કરી શકશે એ સવાલ છે.

    પરાગ પરીખ ફાઇનૅન્શિયલ ઍડ્વાઇઝરી સર્વિસિસ દ્વારા પ્રમોટ કરાયેલા PPFAS મ્યુચ્યુઅલ ફન્ડે તાજેતરમાં એના યુનિટધારકોની વાર્ષિક સભા મુંબઈ, ચેન્નઈ અને બૅન્ગલોર ખાતે યોજી હતી એવી માહિતી આપતાં ફન્ડના સ્થાપક પરાગ પરીખે કહ્યું હતું કે અમે એવો અભિગમ વિચાર્યો છે કે ફન્ડના યુનિટધારકો આ ફન્ડના સ્ટૉકહોલ્ડર (માલિક) ગણાય, જ્યારે અમે તો એના મૅનેજર ગણાઈએ. આ હિસાબે ધારકોને ફન્ડનાં નાણાં ક્યાં રોકવામાં આવ્યાં છે, ફન્ડની ઇન્વેસ્ટમેન્ટ ફિલસૂફી શું છે, શા માટે છે વગેરે વિશે સવાલો ઉઠાવવાનો અવસર મળવો જોઈએ. આમ તો ઑફર દસ્તાવેજમાં આ વિગતો અપાઈ હોય છે, પરંતુ એના પર્ફોર્મન્સ વિશે વાત થવી જોઈએ. આ સંદર્ભે વરસમાં એક વાર યુનિટધારકોને મળવું જરૂરી માનીને અમે આ સભાનું આયોજન કર્યું છે. અત્યાર સુધીનાં વરસોમાં કોઈ મ્યુચ્યુઅલ ફન્ડે આવું કર્યું નથી, એથી યુનિટધારકોને પણ આ બાબતનું આશ્ચર્ય હતું, પરંતુ લોકોએ ઉમળકાભેર ભાગ લીધો હતો અને રસપ્રદ સવાલ-જવાબ પણ થયા.

    યુનિટધારકોનો રસ
    ખાસ કરીને યુનિટધારકોએ ફન્ડના રોકાણ માટે કંપનીઓનું સિલેક્શન કઈ રીતે કે કયા આધારે કરે છે એ વિશે વધુ સવાલો પૂછ્યા હતા. આ મ્યુચ્યુઅલ ફન્ડે PPFAS લૉન્ગ ટર્મ વૅલ્યુ ફન્ડ નામે દોઢેક વરસ પહેલાં લૉન્ચ કર્યું હતું, જેનું લક્ષ્ય કૉર્પસ (ભંડોળ)ના ૬૫ ટકા ભારતીય ઇક્વિટી શૅરોમાં રોકાણનું છે અને બાકીનું રોકાણ ડેટ સાધનો અને ઇન્ટરનૅશનલ ઇક્વિટીઝમાં રોકવાની એને સ્વતંત્રતા છે. દસ રૂપિયાના ભાવે ઑફર થયેલા આ ફન્ડના યુનિટની ફ્ખ્સ્ (નેટ ઍસેટ વૅલ્યુ) અત્યારે ૧૫ રૂપિયા આસપાસ છે. ફન્ડ અત્યારે ૩૦૦૦ જેટલા રોકાણકારો ધરાવે છે; જ્યારે ઍસેટ અન્ડર મૅનેજમેન્ટ પાંચસો કરોડ રૂપિયા જેટલી છે, પરંતુ એના યુનિટધારકોની સંખ્યા ધીમે-ધીમે વધી રહી છે. આ એક ડાયવર્સિફાઇડ સ્કીમ છે. ભવિષ્યમાં એનો ઇન્વેસ્ટર બેસ વધતો જોઈ ફન્ડ અમદાવાદમાં પણ સભા યોજવાનું વિચારશે.

    નવો વિશ્વાસ ઊભો થઈ શકે
    આ AGM યોજવા માટે સેબી તરફથી કોઈ નિયમ કે ધોરણ નથી, છતાં ફન્ડ મૅનેજર-પ્રમોટરે સેબીને આ વિશેની માહિતી સામે ચાલીને આપી છે. ભવિષ્યમાં સેબી આ પહેલથી મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગ માટે આવો કોઈ નવો વિચાર લાગુ કરે તો નવાઈ નહીં અથવા અન્ય મ્યુચ્યુઅલ ફન્ડ પોતે જ આ માર્ગે જવાનો વિચાર કરે તો પણ નવાઈ નહીં, કેમ કે આ કદમથી યુનિટધારકોમાં નવો વિશ્વાસ સર્જા‍ઈ શકે છે, પારદર્શકતા વધી શકે છે.

    સામાન્ય રીતે ફન્ડ મૅનેજરો યુનિટધારકોને ખાસ મહત્વ આપતા હોતા નથી; જ્યારે કે ફન્ડના ખરા માલિકો તો યુનિટધારકો જ ગણાય. ક્યારેક તો ફન્ડ મૅનેજરનું એ ફન્ડમાં નજીવું રોકાણ હોય છે. ફન્ડધારકો સ્ટૉકહોલ્ડર હોવાથી તેમને શૅરની જેમ ડિવિડન્ડ ચૂકવાય છે, વ્યાજ નહીં.

    The original article could be seen here.

    comments powered by Disqus

    Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.
    © PPFAS Asset Management Private Limited. All rights reserved.
    Sponsor: Parag Parikh Financial Advisory Services Limited. [CIN: U67190MH1992PLC068970], Trustee: PPFAS Trustee Company Private Limited. [CIN: U65100MH2011PTC221203], Investment Manager (AMC): PPFAS Asset Management Private Limited. [CIN: U65100MH2011PTC220623]